નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો ઇતિહાસ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની સ્થાપના ૯ નવેમ્બર – ૧૯૫૩ના રોજ થયેલ હતી. સમિતિની સ્થાપના સમયે ડો. વેણીલાલ ન. મોદી (MBBS) અધ્યક્ષ તરીકે તથા શ્રી ચંદ્રકાંત છો. મહેતા ઉપાધ્યક્ષ તરીકે હતા. શાસનાધિકારી તરીકે હ. પ્ર. યાજ્ઞિક (સરકાર નિયુક્ત) હતા. શિક્ષણ સંઘના પ્રમુખ શ્રીમતી કુસુમબેન શુકે મંત્રી નગીનભાઈ ઉપાધ્યાય ખજાનચી ચીમનલાલ ધોબી હતા.

૧૯૫૩ થી ૧૯૭૮ રજત જયંતી મહોત્સવ પ્રસંગે શિક્ષણ સમિતિનો સૌપ્રથમ સ્મરણીય અધ્યક્ષ લીલાબેન ચાંદોરકર અને ઉપાધ્યક્ષ જયંતીભાઇ વી. પટેલના સમયે વહીવટી અહેવાલ પ્રગટ કર્યો હતો. ૨ જી ઓક્ટોબર ૧૯૭૮ ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી બાબુભાઈ જ. પટેલના વરદ હસ્તે પ્રૌઢ શિક્ષણ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો હતો. જેનો પ્રારંભ સમિતિએ તત્કાલ કર્યો હતો. વડોદરા સંસ્કારી નગરીના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા શહેરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.

વડોદરા શહેર સુઘરાઈના પ્રમુખશ્રી ડો. શ્રી હર્ષદરાય ઠાકોર, ડો. શ્રી આનંદલાલ બી. કોઠારી તથા મેયરશ્રી નાનાલાલ ડી. ચોક્સી, ડો. શ્રી ઠાકોરભાઇ પટેલ, શ્રી લલિતચંદ્ર એમ. પટેલ, શ્રી રમણભાઈ હ. પટેલના સાનિધ્યમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને “પ્રેમ, પ્રેરણા અને પ્રગતિ” ના સુત્રાર્થને ચરિતાર્થ કરવા પ્રાથમિક શિક્ષણ ચારિત્ર્ય ઘડતરનો પાયો છે. આજના પરિવર્તનશીલ યુગમાં પ્રાથમિક શિક્ષણના ખ્યાલો પણ નૂતન દૃષ્ટિ આપે છે અને બાળકને આવતીકાલના સ્વસ્થ નાગરિક બનાવવા અર્થપૂર્ણ અભિગમ અપનાવવા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પહેલ કરી હતી. શિક્ષણ અને સંસ્કાર ઘડતરનું કાર્ય શિક્ષણ સમિતિએ ચાલુ કર્યું હતું.

શહેરના પ્રાથમિક શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારે વડોદરા શહેર સુધરાઈને ૧૯૫૩ માં સોંપવાનું નક્કી કર્યું. તેનો શહેર સુઘરાઈએ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાંય સ્વીકાર કર્યો હતો. ૯-૧૧-૧૯૫૩ થી રાજ્ય સરકારે વડોદરા શહેર સુધરાઈને પ્રાથમિક શિક્ષણની જવાબદારી સોંપતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થતા તેઓએ તા. ૯-૧૧-૧૯૫૩ થી તા. ૧૦-૦૯-૧૯૫૪ સુધી સમિતિના અધ્યક્ષ તરીકે ડો. વેણીભાઈ ન. મોદીના વરદ હસ્તે પ્રારંભ થયો હતો. ૧૯૫૪-૫૫ થી સમિતિના અધ્યક્ષશ્રી રમાબેન થાણાવાળાએ મફત દૂધ યોજના, વૈદકીય તપાસ, મફત દવા, સમૂહજીવન, સ્વચ્છ નાસ્તાની યોજના શરૂ કરેલ હતી.

વડોદરા શહેરની પ્રાથમિક શિક્ષણની જવાબદારી સરકારશ્રીએ શહેર સુધરાઈને તા. ૯-૧૧-૧૯૫૩ થી સોંપતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ તથા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૯ ની જોગવાઈઓ આધિન વડોદરા શહેર પ્રાથમિક શાળાઓ તથા શિક્ષણનો વહીવટ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થઈ. ૧૯૫૩ થી ૧૯૭૮ સુધી ૪૨ પ્રાથમિક શાળાઓનો વહીવટ સમિતિ હસ્તક આપ્યો હતો. જેમાં ૨૦,૧૨૪ વિદ્યાર્થીઓ ભણતા હતા અને ૫૫૦ શિક્ષકો કામ કરતા હતા. તે સમયે ખાનગી માન્ય શાળાઓ ફકત ૨૮ હતી અને તેમાં ૩૧૦૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

વડોદરા શહેરની સંસ્કૃતિ અને પ્રજાનું પંચરંગીપણું ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખાય ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. શહેરના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાતાવરણને જીવંત અને ગતિશીલ રાખવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેના વિદ્વાન અને અનુભવી લોકસેવકોના માર્ગદર્શન અને મહાનગરપાલિકાના સહયોગ વડે પોતાની કરેલી ફરજો ઉપરાંત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ અને યોજનાઓ આદરી છે. સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના વહીવટ અંગેનો ખર્ચ મહાનગરપાલિકાના ફાળા અને રાજ્ય સરકારની ગ્રાન્ટ દ્વારા ઉપાડવામાં આવે છે.

૧૯૫૩ થી સમિતિએ શહેરની પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની જવાબદારી ઉપાડી ત્યારથી આજદિન સુધી પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. ખાસ કરીને છેલ્લા વર્ષોમાં વડોદરા શહેરના થઈ રહેલા ઝડપી વિકાસને લઈ પ્રાથમિક શિક્ષણની માંગ વધતી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ગુણવત્તાલક્ષી શિક્ષણ, નામાંકન અને સ્થાયીકરણ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાનના હેતુઓને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે. ૧૯૫૩ થી ૧૯૭૮ દરમ્યાન ગુજરાતી, હિન્દી, મરાઠી તથા સિંધી માધ્યમની પ્રાથમિક શાળાઓ ચલાવતી હતી.

વિદ્યાર્થીઓ માટેની વૈદ્યકીય તપાસ યોજના, ૧૯૫૬થી દૂધ અને ૧૯૭૦ થી મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. બાળકોને દરરોજ બ્રેડ અને દૂધ આપવામાં આવે છે. સમિતિમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ શારીરિક પ્રવૃત્તિઓ, ૧૯૫૫-૫૬ થી સમિતિની સર્વાંગીણ વિકાસની અનેકવિધ પ્રવૃતિઓનું આકર્ષક રીતે સામૂહિક દર્શન કરાવનારી લોકપ્રિય પ્રવૃત્તિ એટલે બાળદિન નિમિત્તે ” બાળમેળાનો ઉત્સવ ” રજાઓમાં અનેકવિધ આકર્ષણો સાથે યોજાતો રહ્યો છે. અંગ્રેજી શિક્ષણ, સ્વાધ્યાયલક્ષી અભિગમ યોજના, શિક્ષણ સંશોધન કેન્દ્ર, બહેરા-મૂંગા બાળકો માટેની શાળા, બાલવાડી-૧૯૬૬ ના વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો. ” જ્ઞાન જ્યોત ” માસિક પણ પ્રસિદ્ધ કરી શાળાઓને પૂરું પાડવામાં આવતું હતું.

રાત્રિ શાળાઓ :-

દિવસના સમયમાં કે બીજો ધંધો કરતા અને શિક્ષણથી વંચિત રહેલા અને પોતાના વાલીઓને મદદરૂપ થવા અધવચ્ચેથી શાળા છોડી દેતા બાળકોને શિક્ષણ આપવા સમિતિએ ૧૩ જેટલી રાત્રે શાળાઓ પણ શરૂ કરી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા, સમગ્ર શહેરમાં કુલ ૧૦૫ શાળાઓ ધરાવે છે. જેમાં ગુજરાતી માધ્યમની ૮૭, હિન્દી માધ્યમની ૧૩, અંગ્રજી માધ્યમની ૪ અને મરાઠી માધ્યમની ૧ શાળાઓ ચાલે છે. આ શાળાઓમાં કુલ ૯૫૦ શિક્ષકો પોતાની ફરજ બજાવે છે અને કુલ ૨૮૫૦૬ બાળકો નિઃશુલ્ક શિક્ષણનો લાભ લે છે. સાંસદશ્રી રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી એક વર્ગખંડ વાળી ૪૨ બાલવાડી તથા બે વર્ગખંડવાળી ૫ બાલવાડી એમ કુલ ૪૭ બાલવાડીઓને સ્માર્ટ બાલવાડી બનાવવામાં આવેલ છે. આ વર્ષથી હિન્દી માધ્યમની બાલવાડી પણ શરૂ કરવામાં આવેલ છે.